જિલ્લામાં માણસા તાલુકાને બાદ કરતા સમગ્ર વિસ્તારમાં મંગળવારે મેઘ સવારી આવી હતી. તેમાં દહેગામ તાલુકામાં 3.50 ઇંચ અને ગાંધીનગર તાલુકામાં 3 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થિ ગયાં હતાં. કલોલ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાટનગર શહેરી વિસ્તારમાં પણ વરસાદની રમઝટના પગલે 3 ઇંચ વરસાદ પડવાથી ખુલ્લા પ્લોટ્સમાં પાણી ભરાયા હતાં. દહેગામમાં સ્થિતિ વિકટ બની હતી અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે નવો રેલવે ટ્રેક ધોવાઇ જવાની સાથે ગરનાળામાં ભરાયેલા પાણીમાં એસટી બસ ફસાઇ જતાં લોકોએ ધક્કા મારીને બહાર કાઢી હતી.
દહેગામમાં મંગળવારે સવારે આઠ વાગ્યે ધમાકેદાર વરસાદ થતાં શહેરની નહેરૂ સોસાયટી, જીઆઇડીસી પાસેની પુના તલાવડી, અમદાવાદ મોડાસા રોડ, પૂર્ણિમા હાઈસ્કૂલનો ઢાળ, વિસ્તારમાં ખજૂરી તલાવડી, દોગલ તલાવડી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જયારે અમદાવાદ ઉદેપુર રેલ લાઈન બ્રોડગેજમાં રૂપાંતર કરવા નવો નાખેલો ટ્રેક ધોવાઇ ગયો હતો અને મગોડીથી ગાંધીનગર રોડ પર બનાવેલા અંડરપાસમાં પાણી ભરાતા એસટી બસ સહિતના વાહનો બંધ પડી ફસાઈ જતા મહા મહેનતે બહાર કઢાયા હતા. દિવસ દરમ્યાન પણ સમયાંતરે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો. મંગળવારે મર્હોરમ પર્વની સરકારી કચેરીમાં જાહેર રજા હોવા છતાં ભારે વરસાદની આગાહીના પગલે મામલતદાર એચ.એલ. રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલ સહિતનો સ્ટાફ કચેરીમાં એલર્ટ રહ્યો હતો.