મેદાન પર ક્રિકેટ શરૂ થાય એ પહેલાં ભારત-પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો જરૂરી છે: હરભજન સિંહ

0
315

T20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની મૅચ પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટર્સનાં નિવેદનો સામે આવી રહ્યાં છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે બન્ને દેશના સંબંધો વિશે મોટી કમેન્ટ કરી છે. તેણે કહ્યું કે ‘ભારત-પાકિસ્તાન મૅચ હંમેશાં હેડલાઇન્સમાં રહે છે, પરંતુ ઑપરેશન સિંદૂર પછી બધાએ કહ્યું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ કે બિઝનેસ ન થવાં જોઈએ. અમે પણ વર્લ્ડ લેજન્ડ્સ ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે મૅચ રમી નહોતી.’

તેણે વધુમાં કહ્યું કે ‘દરેક વ્યક્તિની પોતાની વિચારસરણી અને સમજ છે, પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી બન્ને દેશ વચ્ચેના સંબંધો સુધરે નહીં ત્યાં સુધી ક્રિકેટ અને વેપાર ન થવાં જોઈએ, પરંતુ એ મારો વિચાર છે. જો સરકાર કહે છે કે મૅચ થઈ શકે છે તો એ થવી જોઈએ, પરંતુ બન્ને દેશ વચ્ચેના સંબંધો સુધરવા જોઈએ.’

સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે ‘જો કોઈ ટીમ ભારતને હરાવી શકે છે તો એ ભારતીય ટીમ પોતે જ છે, એ ખૂબ જ મજબૂત ટીમ છે. આપણું ક્રિકેટ એક અલગ સ્તરે છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના ગયા પછી ટીમ સંપૂર્ણપણે તૈયાર છે.

દુબઈમાં રમવું એ ઘરે અને ઘરઆંગણે રમવા જેવું છે. સ્પિનરો મોટી ભૂમિકા ભજવશે અને મને આશા છે કે ટીમ એશિયા કપ પાછો લાવશે.’