વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી

0
381

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે ત્યારે આ નેતાઓએ આર્થિક ભાગીદારી વધારવા પર ફોકસ કર્યું હતું. આ વાતચીતને પગલે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલની સંભાવના વધી છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

પીએમ મોદી અને ટ્રમ્પ બન્નેએ ટ્રેડ, મહત્વની ટેક્નોલોજી, એનર્જી, ડિફેન્સ અને સિક્યુરિટી જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે તેમના મંતવ્યોની આપ-લે કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બન્ને નેતા સમાન પડકારોનો સામનો કરવા અને પરસ્પરના હિત આગળ ધપાવવા વધુ ઘનિષ્ટ રીતે કામ કરવા માટે સંમત થયા હતા.

મોદી-ટ્રમ્પે આ વાતચીત દરમિયાન ઈન્ડિયા-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટજિક પાર્ટનરશિપમાં પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી. બન્નેએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારે મક્કમ રીતે અને મજબૂત રીતે આગળ વધી રહ્યા છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. દ્વિપક્ષીય વ્યાપાર વધારવાના સંયુક્ત પ્રયાસમાં મોમેન્ટમ જાળવી રાખવાના મહત્વ પર બન્નેએ ભાર મૂક્યો હતો. 21મી સદી માટે ભારત-અમેરિકા કોમ્પેક્ટ (કેટેલાઈઝિંગ ઓપોર્ચ્યૂનિટીઝ ફોર મિલિટરી પાર્ટનરશિપ, એક્સીલરેટેડ કોમર્સ એન્ડ ટેક્નોલોજી)ના અમલ માટે બન્ને દેશો વચ્ચે મહત્વની ટેક્નોલોજી, એનર્જી, ડિફેન્સ, સિક્યુરિટી અને અન્ય પ્રાયોરિટી સેક્ટરમાં સહયોગ વધારવો જરૂરી હોવાનું બન્નેએ મંતવ્ય રજૂ કર્યું હતું. પીએમ મોદી-ટ્રમ્પે અન્ય રિજનલ અને વૈશ્વિક ઘટનાક્રમ અંગે પણ ચર્ચા કરી હતી અને પરસ્પરના સંયુક્ત પડકારો અને સમાન હિતને ધ્યાનમાં લઈને આગળ ધપવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.