શેર બજારમાં રોકાણની લાલચ આપીને મહિલા સાથે ૮૧ લાખની છેતરપિંડી

0
351

ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સરગાસણ વિસ્તારમાં રહેતા મહિલાને શેર બજારમાં રોકાણની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૮૧.૨૫ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગરના સરગાસણમાં આવેલી સ્વાગત ફ્લેમિંગો વસાહતમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર રંજનબેન કાંતિભાઈ સુથાર પણ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. જેમણે ફરિયાદ નોંધાવી હતી કે, જૂન ૨૦૨૪થી શેરબજારમાં રોકાણ કરવાનું શરૃ કર્યું હતું. આ દરમિયાન તેમના ટેલિગ્રામ એકાઉન્ટમાં આકાંક્ષા શર્મા નામની વ્યક્તિએ તેમને શેરબજારના એક ગ્પમાં જોડયા હતા જ્યાં તેમને શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આકાંક્ષા શર્માએ એકાઉન્ટ મેનેજર સુજીત પંચાલ સાથે સંપર્ક કરવા કહ્યું હતું અને ત્યારબાદ તેમને એક લીંક મોકલી આપવામાં આવી હતી જેમાં વિગતો ભરીને પરત કરવા કહ્યું હતું ત્યારબાદ ૫૦ હજાર કે એક લાખ રૃપિયા જમા કરાવીને રોકાણની શરૃઆત કરવાનું કહેતા તેમણે રૃપિયા ભર્યા હતા અને તબક્કાવાર ૮૧.૨૫ લાખ રૃપિયા જેટલી માતબર રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી ભરી હતી અને રોકાણ કર્યું હતું. જેમાં તેમને ૧.૮૯ કરોડ રૃપિયાનો નફો બતાવવામાં આવ્યો હતો જો કે તેમણે તે ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બેથી ત્રણ વખત સફળતા મળી ન હતી અને તે માટે વધુ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાઇબર ગઠિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.