સંસદમાં જમ્મુ-કાશ્મીર સંબંધિત અનામતનાં બે બિલને મંજૂરી…

0
151

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધી અનામતના બે બિલને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ‘નવા અને વિકસિત કાશ્મીર’ની શરૂઆતની બાંહેધરી પછી ધ્વનિમતથી બંને બિલ મંજૂર કરાયા હતા.

જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન (એમેન્ડમેન્ટ) બિલ અને જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલમાં જમ્મુ-કાશ્મીરના કેટલાક સમાજને અનામત આપવા ઉપરાંત, ત્યાંની વિધાનસભામાં કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા સમાજના બે સભ્ય અને પીઓકેમાંથી કાઢી મુકાયેલા લોકોના એક પ્રતિનિધીના નોમિનેશનનો પ્રસ્તાવ છે. ગયા સપ્તાહે બંને બિલને લોકસભાની મંજૂરી મળી હતી.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર માટેના આ બંને બિલ ૭૫ વર્ષથી અધિકારોથી વંચિત રહેલા લોકો તેમના અધિકાર અપાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાંકી કઢાયેલા લોકોને વિધાનસભામાં પ્રતિનિધીત્વ નિશ્ચિત કરવામાં આવશે. શાહે આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કાશ્મીર અંગે લીધેલા નિર્ણયોમાં થયેલી ભૂલો જણાવી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે પ્રથમ વડાપ્રધાન નહેરુની ભૂલો તેમજ યુદ્ધવિરામમાં કરાયેલી ઉતાવળને કારણે દેશને વેઠવું પડ્યું હતું. ઉપરાંત, નહેરુ કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા હતા, જે પણ ભૂલ હતી. જોકે, ગૃહમંત્રી શાહના જવાબ વખતે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ‘વોકઆઉટ’ કર્યો હતો. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો અને કોઇ તેને છીનવી ન શકે.