સંસદમાં ધમાલ, ૯૦થી વધુ સંસદસભ્યો સસ્પેન્ડ…

0
215

સંસદમાં સલામતીના ઉલ્લંઘનને પગલે ગૃહની કામગીરીમાં ખલેલ પાડવા બદલ લોકસભામાંથી ૩૩ અને રાજ્યસભામાંથી ૪૫ સંસદસભ્યોને ગઈ કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદસભ્યોમાં કૉન્ગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકેના સંસદસભ્યો ટી.આર. બાલુ અને દયાનિધિ મારન તથા ટીએમસીના સૌગતા રૉયનો પણ સમાવેશ થતો હતો. આમ અત્યાર સુધીમાં ૯૦થી વધુ સંસદસભ્યોને આ સત્રમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભામાંથી ૩૦ સંસદસભ્યોને બાકી રહેલા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણના સસ્પેન્શનની મુદત વિશે વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવશે પછી નિર્ણય લેવામાં આવશે.લોકસભામાં હોબાળો કરવા બદલ વિપક્ષના ઘણા સંસદસભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૉન્ગ્રેસના અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના ૩૩ સંસદસભ્યોને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્‍‍લાદ જોષીએ રજૂ કર્યો હતો, જે બાદમાં ધ્વનિમતથી મંજૂર કરવામાં આવ્યો. સંસદની કાર્યવાહીમાં અડચણ પહોંચાડવા બદલ વિપક્ષના કુલ ૩૩ સંસદસભ્યોને સોમવારે સસ્પેન્ડ કરાયા કે જે પૈકી ૩૦ સંસદસભ્યોને સદનના આખા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષના સભ્યોએ સતત હોબાળો મચાવતાં લોકસભા ૧૧ વાગ્યા સુધી સ્થગિત રખાઈ છે. વિપક્ષી સંસદસભ્યો માગ કરી રહ્યા છે કે સદનમાં ગૃહપ્રધાન આવે અને લોકસભા સુરક્ષા ચૂક સંબંધિત વિસ્તારમાં સરકારનો પક્ષ મૂકે. કૉન્ગ્રેસ નેતા જયરામ રમેશે શુક્રવારે કહ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં ગત બે દિવસથી કામ થઈ શક્યું નથી. સંસદમાં સુરક્ષા ચૂક પછી અમે ગૃહપ્રધાન પાસે નિવેદન માગ્યું હતું. ૧૪ અને ૧૫ ડિસેમ્બરે ભારત ગઠબંધનના સભ્યોએ પોતાનો પક્ષ મૂક્યો. સસ્પેન્ડ કરાયેલા સંસદસભ્યોમાં કલ્યાણ બૅનરજી, એ. રાજા, દયાનિધિ મારન, અફરુક પોદ્દાર, પ્રસૂન બૅનરજી, ઈટી મોહમ્મદ બશીર, જી. સેલ્વમ, સીએમ અન્નાદુરાઈ, અધીર રંજન ચૌધરી, ટી. સુમથી, કે. નવાસ્કામી, કે. રવીરાસામી, એનકે પ્રેમચંદ્રન, સૌગતા રૉય, અશિત કુમાર, શતાબ્દી રૉય, કૌશેન્દ્ર કુમાર, અંટો ઍન્ટની, એસએસ પલ્લીમનીકમ, પ્રતિભા મંડલ, કાકોલી ઘોષ, કે. મુરલીધરન, સુનીલ મંડલ, રમીલમગમ, કે. સુરેશ, અમર સિંહ, રાજામોહન, ગૌરવ ગોગાઈ, ટીઆર બાલુનો સમાવેશ થાય છે.