કલોલ તાલુકાના સાતેજ ગામમાં મોટા પ્રમાણમાં GIDC વિસ્તાર આવેલો છે. જ્યાં આજે વહેલી પરોઢે આશરે 2:45 વાગ્યાના અરસામાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી.આ આગ એટલી વિકરાળ હતી કે, ગાંધીનગર, અમદાવાદ, કડી નગરપાલિકા, અરવિંદ મીલ, કલોલ નગરપાલિકા અને કલોલ એરફોર્સમાંથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવી શક્યા નથી. ગાંધીનગર ફાયર બ્રિગેડના કર્મચારી રાજુભાઈ પટેલ સહિતનો સ્ટાફ સતત આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પ્લાસ્ટિક ફેક્ટરી હોવાના કારણે પાણીનો મારો ચલાવતા તે જગ્યા શાંત થઈ જાય છે પરંતુ અડધા કલાક પછી ફરીથી ત્યાં આગની જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. તેને લઈને ફાયરના કર્મચારીઓને પણ કડી મહેનત કરવી પડી રહી છે. આગ કયા કારણેે લાગી એ હજુ જાણી શકાયું નથી. પરંતુ આગના ધુમાડા આજુબાજુના દસ કિલોમીટરના વિસ્તારમાં જોવા મળ્યા હતા.