પાટનગરમાં વિજળીની બચત કરે તેવી 19 હજાર એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવી છે. પરંતુ ટોરેન્ટ પાવર દ્વારા તેની સંભાળ અને સમારકામની કામગીરી કરવાથી મુક્તિ લઇ લેતા આ કામ પાટનગર યોજના વિભાગ દ્વારા લાઇટ ફિટીંગનું કામ કરનાર કેન્દ્ર સરકાર માન્ય કંપની એનર્જી એફિસીયન્સી કંપની સાથે મળીને કરવામાં આવી રહી છે.
જોકે ચોમાસાના દિવસોમાં પણ સતત લાઇટ ગુલ રહેવાની ફરિયાદો વધતી જઇ રહી છે અને લોકોમાં વ્યાપક રોષ સાથે પાટનગર યોજના વિભાગને આ મુદ્દે થોકબંધ ફરિયાદો મળતી રહે છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી મહાપાલિકાને સોંપી દેવા કરેલી દરખાસ્તને સરકાર દ્વારા ટુંક સમયમાં મંજુરી આપી દેવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.