૭૪મો વન મહોત્સવ ‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’ અંતર્ગત આવો સૌ સાથે મળી ગાંધીનગરને હરિયાળુ બનાવીએ

0
278

‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’નાં વિચાર સાથે ૭૪માં વનમહોત્સવ-૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામ ખાતે કરવામાં આવી. જેમાં’આવો સૌ સાથે મળી ગાંધીનગરને હરિયાળુ બનાવીએ’ એવા પ્રણ સાથે ગાંધીનગર વન વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત અધિકારીઓ તથા અતિથિઓના હસ્તે કદંબ, મહુગની, બોરસલી, આસોપાલવ, સપ્તપદી, લીમડો જેવા છોડનું રોપણ કરાયું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ વનમહોત્સવ પ્રસંગે કલોલના ધારાસભ્યશ્રી લક્ષમણજી ઠાકોરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય તેમ રોપે રોપે હરિયાળી થાય. માટે સામાજિક વનીકરણ દ્રારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જાગૃતિ અને માવજતથી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળી હરાવીએ અને સરકારના આવા વિકાસ કામોમાં સહયોગી બનીએ’
ઉપરાંત જિલ્લા અગ્ર મુખ્ય વન સંરક્ષણ અધિકારીશ્રી યુ. ડી સિંઘે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ‘માણસજાત પ્રત્યે સેવાભાવ જાગે તો ધર્મશાળા બનાવાય તેજ રીતે પશુ, પક્ષીઓ, જાનવરો, જંતુઓ કે પછી સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે સેવાભાવ જાગે ત્યારે એક વટવૃક્ષ વાવો અને ઉછેરો’ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ અને વૃક્ષોની જરુરિયાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટતી જતી હરિયાળી અને વૃક્ષોને કારણે પ્રાણવાયુ ઓછો થઈ રહ્યો છે. અને ઋતુચક્ર પર વિપરિત અસર થઈ છે. જેની સીધી અસર ખેતી પર પડે છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરત્તી આપદા અને ખોરવાયેલા ઋતુચક્રને ફરી સુધારી જીવસૃષ્ટિને બચાવવાનો એકજ માર્ગ વધુમાં વધુ વૃક્ષારોપણ છે. માટે આપણી આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવવા અને તેને વાવીને છોડી દેવાને બદલે તેનું જતન કરાય. આ રીતે ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ન સામે લડત આપી શકાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી ચંદ્રેશકુમાર શાનદ્રે હાજર મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી વનીકરણ અંગે જણાવ્યું હતું કે, ગ્રામવન, વન કવચ, હરિયાળુ ગામ ,માર્ગોની આસપાસ વૃક્ષો વગેરે જેવા સામાજિક વનીકરણના પ્રયાસો થકી ગાંધીનગર જિલ્લામાં 728 હેક્ટર જમીન પર 5 લાખ 75 હજારથી વધુ રોપાનું વાવેતર સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ રોપા આવનારા વર્ષોમાં વૃક્ષોના રૂપમાં ફલિત થઈ ગાંધીનગરને હરિયાળું બનાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

74 માં વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં કડવા પાટીદાર 42 સમાજ માનવસેવા સમિત ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કમિટીના સભ્યો અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.