અમદાવાદના ખેલૈયાઓ માટે ખુશખબર! નવરાત્રિના રંગે રંગાયેલા આ શહેરમાં હવે ગરબાની મોજ માણવી વધુ સરળ બનશે. નવરાત્રિ તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેટ્રોના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં રાત્રે 10 વાગ્યા બાદ દર 30 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે.
આ નિર્ણયથી શહેરના વસ્ત્રાલ ગામથી થલતેજ અને કોટેશ્વર રોડથી APMC સુધી દર 30 મિનિટે, તેમજ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સુધી દર 1 કલાકે મેટ્રો સેવા મળશે. આ પગલું ખેલૈયાઓ માટે મોટી સુવિધા બની રહેશે, જેઓ મોડી રાત સુધી ગરબાના રંગમાં રંગાઈ શકશે.
અમદાવાદમાં નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે. GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેલૈયાઓને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને ‘આત્મનિર્ભર ભારત’ના વડાપ્રધાનના આહવાનને સમર્થન આપવા અપીલ કરી.
શહેરની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ્સમાં પરંપરાગતથી લઈને આધુનિક ગરબા સ્ટાઇલ યુવાનોમાં ટ્રેન્ડ બની રહી છે. ગીતા રબારી, કિંજલ દવે, ઐશ્વર્યા મજુમદાર, કિર્તીદાન ગઢવી અને આદિત્ય ગઢવી જેવા લોકપ્રિય કલાકારો પોતાના મજેદાર પર્ફોર્મન્સથી ખેલૈયાઓને ઝૂમાવી રહ્યા છે.






