એર ઈન્ડિયાનું વિમાન સમયસર ના ઉડતાં 120 મુસાફરોને હાલાકી ભોગવવી પડી….

0
216

દિલ્હીથી વડોદરા આવતી વહેલી સવારની ફ્લાઈટના મુસાફરોએ હોબાળો મચાવ્યો છે. એર વિઝિબિલિટીનું કારણ બતાવી ફ્લાઈટએ ટેક ઑફ કર્યું ન હતું. મેડિકલ ઈમરજન્સી માટે વિદેશથી આવેલા મુસાફરો અટવાયા પણ હતા.
એર ઈન્ડિયાનું વિમાન સમયસર ના ઉડતાં 120 મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. જેમાંથી કેટલાંક મુસાફરો વિદેશથી મેડિકલ કન્ડિશનને લઈ સારવાર માટે આવ્યા હતા. દિલ્હી થી વડોદરા આવતી સવારે 4:30 વાગ્યાની ફ્લાઈટ 6 કલાક મોડી પડતાં મુસાફરોને મુશ્કેલી ઊભી થઈ હતી.
મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને પ્રશ્નો કર્યા હતા કે ઈન્ડિગો ફ્લાઈટ લેન્ડ કરી શકે છે તો એર ઈન્ડિયા કેમ નહીં? ઉપરાંત એરપોર્ટના અધિકારીઓએ મુસાફરોએ અસભ્યતાભર્યું વર્તન કર્યું હતું તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર બેસીને 120 મુસાફરોએ રામધૂન બોલાવી હતી. રામધૂન બોલાવી મુસાફરોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ઓથોરિટીને વારંવાર ફ્લાઈટ વિશે પૂછતાં દર વખતે જુદો જુદો જવાબ આપવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા પણ દિલ્હીથી વડોદરા આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનો પાઈલોટ ડ્યુટી અવર્સ પૂરા થઈ ગયા છે તેમ કહીને ફ્લાઇટને પરત લઈ જવા માટે ના પાડી દેતા મુસાફરો અટવાઈ ગયા હતા અને વડોદરા એરપોર્ટ પર પણ હોબાળો થયો હતો.