ઓટીટી પર સફળતા બાદ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ થિયેટરમાં રિલીઝ થઈ

0
272

ઓટોટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી પ્રસિદ્ધ અભિનેતા મનોજ બાજપેયી અભિનીત ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને દર્શકો તથા સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કલાકારોનાં ઉત્કૃષ્ટ અભિનય, ચુસ્ત પટકથા અને જકડી રાખે તેવા કોર્ટરૂમ ડ્રામાને કારણે ફિલ્મ દર્શકોને છેક સુધી જકડી રાખે છે. ફિલ્મની પ્રશંસા થતાં નિર્માતાઓએ શુક્રવારે પસંદગીનાં થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરી હતી.

ફિલ્મને ભારતની ચાર સરકીટમાં કુલ 20 થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે, જેમાં મુંબઇમાં છ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 9, રાજસ્થાનમાં એક અને બિહારમાં ચાર થિયેટરનો સમાવેશ થાય છે. જો કે નેશનલ ચેઇન ધરાવતા મલ્ટીપ્લેક્સ આ ફિલ્મનું સ્ક્રિનિંગ નથી કરી રહ્યા. બે કલાક 12 મિનિટ અને 50 સેકન્ડનો રન ટાઇમ ધરાવતી આ ફિલ્મને સીબીએફસી તરફથી U/A  સર્ટિફિકેટ મળ્યું છે.

ભાનુશાલી સ્ટુડીઓઝ લિમિટેડ, ઝી સ્ટુડીઓઝ અને સુપર્ણ એસ વર્મા દ્વારા નિર્મિત સિર્ફ એક બંદા કાફી હૈ સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે. અપૂર્વ સિંઘ કારકી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી વકીલ પી સી સોલંકીની ભૂમિકામાં છે, જે કિશોરી પર બળાત્કાર કરનાર દેશનાં સૌથી મોટાં બાબા સામે એકલા હાથે લડે છે અને તેને પોક્સો એક્ટ હેઠળ જેલમાં પૂરાવે છે. દેશનાં સૌથી મોટાં કોર્ટરૂમ ડ્રામામાં સ્થાન પામતા કેસ પર આધારિત આ ફિલ્મનું હાલમાં ઝી5 પર સ્ટ્રિમિંગ થઈ રહ્યું છે.