24 કલાકના વિરામ બાદ 2 કોરોના વોરિયર અને 8 માસની બાળકી અને તબીબના પિતા સહિત કુલ 6 વ્યક્તિ કોરોનામાં સપડાઈ છે. કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવેલી કુલ 22 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાઈ છે જ્યારે કોરોનાને મ્હાત આપનારી 8 વ્યક્તિને રજા અપાતાં હવે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેશે. હૉસ્પિટલની 2 નર્સ અને 1 નર્સની 8 મહિનાની પુત્રી, હૃદયની બીમારી ધરાવતાં 88 વર્ષનાં વૃદ્ધા, ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના તબીબના પિતા તેમજ ધોળકા કેડિલામાં નોકરી કરતા યુવાનની પત્ની કોરોનામાં સપડાયાં છે. પાટનગરમાં પોલીસ ચેકપોસ્ટ પર મુકાયેલી વનપાલ યુવતિનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. જ્યારે 4 વ્યક્તિને રજા અપાઈ હતી. યુ. એન. મહેતા હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ 39 વર્ષીય મહિલા પરિવાર સાથે નાના ચિલોડા રહે છે. પાંચેક દિવસથી શરદી, ખાંસીની બીમારી પર દવાની અસર ન થતાં 12 મેએ કરાવેલો ટેસ્ટ પૉઝિટિવ આવતાં ઘરમાં જ સારવાર ચાલુ કરી છે. મહિલાના પતિ અમદાવાદ પોલીસમાં છે. પરિવારની 3 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે.