ગાંધીનગર જિલ્લામાં રાજ્યનો સૌથી ઓછો ફકત 11.56 ટકા જ વરસાદ

0
573

ગુજરાતમાં આમ તો તા.૧પ જુનથી ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે મેઘરાજાએ મોડી પધરામણી કરી છે અને હાલ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહયા છે પરંતુ ગાંધીનગર જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની પધરામણી જ ના થઈ હોય તેમ લાગી રહયું છે. ચોમાસું શરૃ થયાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લામાં ફકત ૧૧.પ૬ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. જેમાં દહેગામ તાલુકામાં ફકત બે ઈંચ અને ગાંધીનગર તાલુકામાં ચાર ઈંચ તો કલોલમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તે સમગ્ર રાજયમાં સૌથી નીચો છે.

એકબાજુ કોરોનાની સ્થિતિના કારણે વેપાર ધંધા મંદ ચાલી રહયા છે ત્યારે ચોમાસું પણ હજુ ગાંધીનગર જિલ્લામાં જામ્યું ના હોવાથી ખેડૂતો પણ ચિંતીત છે. સરકારી ચોપડે વિધિવત રીતે ચોમાસું શરૃ થઈ ગયું છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ છે. પરંતુ ગાંધીનગર જિલ્લા ઉપર જાણે મેઘરાજાએ રીસામણા કર્યા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. સારા ચોમાસાની આશાએ ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં વાવણી કરી દીધી છે પરંતુ ચોમાસું ખેંચાવાના કારણે હવે તેમના પાક ઉપર જોખમ વર્તાઈ રહયું છે. બીજી બાજુ રોજ વાદળો બંધાય છે પરંતુ વરસાદ નહીં પડવાના કારણે ઉકળાટે પણ માઝા મુકી છે. ગાંધીનગર જિલ્લામાં ચોમાસાનો સરેરાશ ૩૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતો હોય છે. ચોમાસાના ચાર મહિના પ્રમાણે જોઈએ તો જિલ્લામાં હજુ સુધી સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જેમાં દહેગામ તાલુકામાં સૌથી ઓછો પ૩ મીમી., ગાંધીનગર તાલુકામાં ૯૩મીમી, કલોલ તાલુકામાં ૧૨૫ મીમી અને માણસા તાલુકામાં ૮૩ મીમી વરસાદ નોંધાયો છે. આમ ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૮૯ મીમી વરસાદ થયો છે. જિલ્લાનો વરસાદ ટકાવારી પ્રમાણે ગણીએ તો હજુ સુધી ૧૧.પ૬ ટકા જ વરસાદ થયો છે. સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજયના અન્ય જિલ્લાઓમાં સૌથી ઓછા વરસાદમાં ગાંધીનગર હાલના તબક્કે મોખરે રહયું છે. તમામ જિલ્લાઓમાં ૧પથી લઈને ૪૦ ટકા સુધી વરસાદ નોંધાઈ ચુકયો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં આ વખતે ઓછા અને મોડા વરસાદના કારણે ચોમાસુ ખેતી ઉપર જોખમ તોળાઈ રહયું છે. આગામી દિવસોમાં ખેતીવાડી વિભાગ દ્વારા આ મામલે પાકની ફેરબદલી માટેની તાકીદ કરવામાં આવે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here