ગુજરાતના નાથના રસાલા કરતાં પણ જગતના નાથની યાત્રામાં ઓછાં વાહનો…!?

0
591

ગાંધીનગરમાં સાડા ત્રણ દાયકાથી નીકળતી ભગવાન જગન્નાથજીની અષાઢી બીજની
રથયાત્રાના રૂટ, રસાલા અને સમયની મર્યાદા પર કોરોના
સંક્રમણ સામે સાવચેતીને પગલે અન્ય શહેરોની જેમ કાપ મૂકી દેવામાં આવ્યો છે. માત્ર ઘ અને ચ
માર્ગ પર રથભ્રમણ કરી ચાર કલાકમાં નીજ મંદિરે પરત ફરશે. મોસાળુ પણ આ વર્ષે મુલતવી
રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાથ મુખ્યમંત્રીના
રસાલા કરતાં પણ ઓછાં વાહનો જગતના નાથની યાત્રામાં જોડવા
માટેની સંમતિ આપવામાં આવી છે. સામે સાવચેતીરૂપે અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં ચોક્કસ નિયમો-
પ્રતિબંધની સૂચના સાથે રથયાત્રા યોજવા માટેની મંજૂરી આપી છે.
રથયાત્રામાં ભાવિકોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાતી રથયાત્રા સંદર્ભે માહિતી આપતાં રથયાત્રા સમિતિના
પ્રમુખ ડો. દિનેશ કાપડિયા, અધ્યક્ષ પૂ. ફૂલશંકર શાસ્ત્રી તથા પંચદેવ યુવક
મંડળના પ્રમુખ અતુલ નાયકે જણાવ્યું છે કે કોવિડને કારણે રથયાત્રાનો
૩૧ કિમી.નો રૂટ ટૂંકાવીને માત્ર ૧૧ કિમી.નો રખાયો છે. અષાઢી બીજે
૩૭મી રથયાત્રા સે.૨૨ પંચદેવ મંદિરેથી સવારે ૭ કલાકે આરતી પૂજન બાદ પ્રારંભાઈને ૧૭-૨૨થી હનુમાનજી મંદિર થઈ ઘ-માર્ગ, સે.૨૮
બાલોદ્યાન, સે.૨૯ જલારામધામ ભગવાનના મોસાળેથી ચ-માર્ગ પર થઈને
વૈજનાથ મહાદેવ ચ-૬ થઈને સે.૨૨ નીજમંદિર પરત ફરશે. જલારામ મંદિરે ૨૦ મીનિટનું રોકાણ હશે પરંતુ મોસાળુ કરવામાં આવશે નહિ.
ભાવિકો કોવિડના સોસ્યલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરી
દૂરથી જ ભગવાનના દર્શન કરી શકશે. રથને પંચદેવ યુવક મંડળના સભ્યો,
ભાવિકો મળી ૪૦ ખલાસીઓ ખેંચીને દોરશે. સ્થિતિને અનુરૂપ રહી
ભાવિકો આયોજનમાં સહકાર આપશે તેવી અપેક્ષા સમિતિ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. યાત્રા સંપન્ન થયા બાદ સે.૨૨ પંચદેવમંદિરમાં જ
ભગવાનનો રથ મૂકવામાં આવશે. જ્યાં ભાવિકો આખો દિવસ કોવિડની
ગાઈડલાઈન મુજબ ભગવાનના દર્શન કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here