ગુજરાતમાં 19 અબજના રોકાણથી વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ સ્થપાશે 

0
530

ગુજરાતના વૈશ્વિક વિકાસમાં એક નવો કિર્તિમાન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલની ભાવનગર પોર્ટ ખાતે સ્થાપવાની મંજૂરી આપી છે. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડી પર્યાવરણ બચાવવા માટે વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ વધારવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રાજ્યોને સૂચન કર્યું છે તેના ભાગરૂપે ગુજરાતે તેના પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સર્વિસમાં CNG અને ઇલેક્ટ્રિક બસ સેવાઓનો વ્યાપ વધારવા સાથે એક વર્ષમાં ૩૦૦ નવા CNG સ્ટેશન કાર્યરત કરવાની જાહેરાત કરી છે. આ ટર્મિનલથી ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોને વાહનોમાં CNGના વપરાશમાં ઘણી અનુકૂળતા વધશે. વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં UKની ફોરસાઇટ જૂથ અને મુંબઇની પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગથી રૂ.૧૯૦૦ કરોડના મૂડીરોકાણથી CNG પોર્ટ ભાવનગર બંદરે સ્થાપવા માટેની દરખાસ્તને મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB)ની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિશ્વના પ્રથમ એવા આ CNG ટર્મિનલની વાર્ષિક ક્ષમતા ૧૫ લાખ મેટ્રિક ટનની રહેશે. ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને લંડન સ્થિત ફોરસાઇટ ગ્રૂપ વચ્ચે ૨૦૧૯ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન MoU કરવામાં આવ્યા હતા.  અહીં નોંધવું જરૂરી છે કે, હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક ૩ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન થાય છે. હવે ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે, જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજિંગ, ઉપરાંત બે લોક ગેટ્સ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિક્વિડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે.

આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની  કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક ૯ મિલિયન મેટ્રિક ટન થશે. જેમાંથી ૬ મિલિયન આ પ્રોજેક્ટની હશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે UK તેમજ ગુજરાત સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૦૦ કરોડ અને બીજા તબક્કામાં રૂ. ૬૦૦ કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત કુલ રૂ.૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here