ગુજરાત ચૂંટણી: બે તબક્કામાં 4 કરોડ 90 લાખ મતદારો આપશે મત

0
297

ભારતીય ચૂંટણી આયોગે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન ના તારીખની જાહેરાત કરી દીધી છે. 182 બેઠક ધરાવતી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થશે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કા માટે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. જ્યારે ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાતમાં હાલમાં કુલ 4.90 કરોડ મતદારો છે, જેમાંથી 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ત્રીજા લિંગના મતદારો છે. 3.24 લાખ નવા મતદારો છે. મતદાન માટે કુલ 51,782 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાં 182 મોડેલ મતદાન મથકો હશે. 50 ટકા મતદાન મથકોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 33 મતદાન મથકો પર યુવા મતદાન ટીમો રહેશે.

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ પૂરો થાય છે. ગુજરાતમાં કુલ 182 બેઠકો છે અને બહુમતીનો આંકડો 92 છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી, 13 અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે, અને 27 વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે.