ઘન કચરાના નિકાલ અર્થે ગુડા દ્વારા વાર્ષિક બે કરોડનો ખર્ચ કરવામાં આવશે

0
498

ઘન કચરાના નિકાલ અર્થે શહેરી વિકાસ સત્તા મંડળની હદમાં આવતાં 26 ગામડાંમાંથી કચરો એકઠો કરીને વૈકલ્પિક રીતે મનપાની સેકટર – 30 ની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવા માટે ગુડા દ્વારા વાર્ષિક બે કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમ પ્રતિ મહિને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મહિને રૂ. 16.67 લાખ કોન્ટ્રાકટરને ચૂકવવામાં આવનાર છે.

ગત ઓગસ્ટ મહિનાથી સોલીડ વેસ્ટ મતલબ કે ઘન કચરાના નિકાલનું વ્યવસ્થાપન કરવા માટે સ્પોટ ટુ ડમ્પ પદ્ધતિને અનુસરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ખાનગી એજન્સી પોતાના વાહનો મુકીને દરેક ગામમાં નિયત કરવામાં આવેલી કચરાની સાઇટ પરથી કચરો ઉઠાવીને તેને મહાનગર પાલિકાની સેક્ટર 30 ખાતે આવેલી ડમ્પ સાઇટ પર પહોંચાડે તેમ નક્કી કરાયુ હતું.

નોંધનીય છે કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ 2016 અંતર્ગત ઘન કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાનું ઉપરોક્ત કાયદા દ્વારા ફરજિયાત કરવામાં આવેલું છે અને ગુડા દ્વારા બનતી ઝડપે તેના અમલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સુચના સરકારે આપી હતી.પાટનગરમાં સેક્ટર 30માં મહાનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર એકત્ર થતાં કચરાનું જરૃર પડે ત્યારે ટ્રો મીલ્સ ચલાવીને બાંધકામ કાટમાળ, ધાતુ, કાંચ, પ્લાસ્ટિક સહિતનો કચરો છુટો પાડી આખરી નિકાલ કરાતો હોવાથી 26 ગામનો કચરો ઉપાડીને ગુડા દ્વારા ડમ્પિંગ સાઇટ પર મોકલાશે.

તેની પ્રોસેસ કરવાનો ચાર્જ પણ ગુડા પાસેથી વસૂલ કરવામાં આવશે. ગુડાની હદમાં આવતાં 26 ગામડાંમાં ઉત્પન્ન થતાં કચરાના નિકાલ અર્થે ગુડા દ્વારા પ્રથમ વર્ષ માટે બે કરોડનો ખર્ચ કરવામાં આવશે. અને ત્યાર પછીના ચાર વર્ષ સુધી આ રકમમાં પાંચ ટકાના દરનો વધારો કરાશે. ઉલ્લેખનીય ગાંધીનગર શહેર વિસ્તારમાં ગુડાએ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં દરેક ઘરેથી કચરો ઉપાડવાની શરૃઆત કરી હતી. પરંતુ આ વિસ્તારો મહાનગર પાલિકામાં ભેળવી દેવાતા તે કામગીરી બંધ કરાઇ છે. હવે 26 ગામ પુરતી આ વ્યવસ્થા નવેસરથી ગોઠવાઇ રહી છે.