ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 163 કિમી દૂર છે…

0
141

ચંદ્રયાન-3એ પોતાની ભ્રમણકક્ષાના તમામ દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ કર્યા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા બદલાશે નહીં. ISRO ના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8.38 વાગ્યે ચંદ્રયાનનું એન્જિન એક મિનિટ માટે ચાલુ કરાયું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી. અગાઉ તે 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં હતું.

17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. લેન્ડર મોડ્યુલ 18 ઓગસ્ટના રોજ સાંજે 3.45 થી 4.00 વાગ્યાની વચ્ચે ડી-ઓર્બિટ કરશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે. 20 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સવારે 2.45 કલાકે ડી-ઓર્બિટ કરશે.

23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગલુરુમાં ISROના સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)ના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3નું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદ્રયાન-3ના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.