નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસ બનશે બાંગ્લાદેશના વચગાળાના PM….

0
154

બાંગ્લાદેશમાં અનામત આંદોલન સોમવારે અચાનક રાજકીય સંકટમાં ફેરવાઈ જતા સ્થિતિ વિકટ બની ગઈ છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લેવી પડી. ત્યારબાદ કટ્ટરપંથી સંગઠન જમાત એ ઈસ્લામીએ હવે ભારતનું નામ લીધા વગર જ તેના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જમાત એ ઈસ્લામીએ પોતાના સમર્થકોને શેખ હસીનાને શરણ આપનારા દેશના દૂતાવાસને ઘેરવાનું કહ્યું છે. બીજી બાજુ પ્રદર્શનકારીઓએ નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ રાજકીય ઉલટફેર વચ્ચે બાંગ્લાદેશમાં ચાલી રહેલી લૂટફાટ અને તોડફોડમાં પ્રદર્શનકારીઓએ શેરપુર જિલ્લાની જેલ ઉપર પણ હુમલો કર્યો. આ હુમલા બાદ જેલને આગ લગાવી દેવાઈ છે. જેલથી 518 કેદીઓ ફરાર થઈ ગયા છે. જે પોતાની સાથે જેલના હથિયારો પણ લૂંટીને લઈ ગયા છે. આ ફરાર કેદીઓમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન JMBના અનેક ખતરનાક આતંકીઓ પણ સામેલ છે. કેદીઓ ભાગ્ય બાદ ભારતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયો છે. દિલ્હી સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસ પર સુરક્ષા કડક કરાઈ છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી સરહદો પર સુરક્ષાની ફરીથી સમીક્ષા થઈ રહી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સર્વપક્ષીય બેઠક બોલાવી.