1993માં ભાજપે દિલ્હીમાં ચૂંટણી જીતી ને સત્તામાં આવી. 1998 સુધી ભાજપની સત્તા રહી પછી દિલ્હી વિધાનસભામાં ભાજપનો ગજ વાગ્યો નહીં. આ વખતે 27 વર્ષ પછી ભાજપના હાથમાં દિલ્હી આવ્યું છે. આમ આદમી પાર્ટીનો દાયકો પૂરો થયો છે. દિલ્હીમાં આપની હાર કેમ થઈ, ભાજપની જીત કેમ થઈ? તેના 4 મોટા કારણો તો છે જ, પણ મોટી આશ્ચર્યની વાત એ છે કે, આપની હાર પાછળ માત્ર 2 ટકાના વોટ શેરનો ઊલટફેર છે. શનિવારના પરિણામોમાં ભાજપનો વોટ શેર 45.7 ટકા છે તો આપનો વોટ શેર 43.5 ટકા છે. એટલે ભાજપ અને આપ વચ્ચે વોટ શેરનો તફાવત માત્ર 2 ટકા જેટલો જ છે. મતદારોની તાકાત અહીંયા ખબર પડે. હવે જો કોંગ્રેસે આપનો સાથ આપ્યો હોત તો ચિત્ર કદાચ જૂદું હોત. અહીં તો કોંગ્રેસે આપની બાજી પણ બગાડી છે. કોંગ્રેસનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 4 ટકા હતો. આ વખતે વધીને 6.3 ટકા થયો છે. એટલે 2.3 ટકા વધ્યો છે. આ રીતે કોંગ્રેસના ઉમેદવારો આપના વોટ ખેંચી ગયા. જે 2 ટકામાં ઊલટફેર થયો તેમાં મુસલમાન અને મીડલ ક્લાસના મતદારોની મોટી ભૂમિકા છે.