રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 23મા કાયદાપંચની રચનાને મંજૂરી આપી….

0
60

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના 23મા કાયદાપંચની રચનાને મંજૂરી આપી દીધી છે. તેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર 2024 થી 31 ઓગસ્ટ 2027 સુધીનો રહેશે. સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા કાયદા મંત્રાલયના આદેશ અનુસાર, પેનલમાં ચાર સભ્યો હશે, જેમાં એક પૂર્ણકાલીન અધ્યક્ષ અને સભ્ય-સચિવનો સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ તેના પ્રમુખ અને સભ્યો હશે. ઉલ્લેખનીય છે કે સરકારે 21 ફેબ્રુઆરી 2020ના રોજ 22માં કાયદાપંચની ત્રણ વર્ષ માટે તેની રચના કરી હતી. જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ 9 નવેમ્બર 2022ના રોજ તેના અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેમને ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગ લોકપાલના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછીના ભારતમાં પ્રથમ કાયદા પંચની સ્થાપના 1955માં કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં 22 કમિશનો રચાયા છે. તેમનું કામ જટિલ કાયદાકીય મુદ્દાઓ પર સરકારને સલાહ આપવાનું હોય છે. જણાવી દઈઓ કે 22મા પંચે સરકારને ઘણી બાબતો પર સૂચનો આપ્યાં હતાં. જેમાં વન નેશન-વન ઈલેક્શન, પોક્સો એક્ટ અને ઓનલાઈન એફઆઈઆર અને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.