લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારી :51 રેલી અને 4000 ટિફિન સભાઓનું આયોજન

0
225
મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. NDA સરકારની ઉપલબ્ધિઓ વિશે લોકોને જણાવવા માટે 51 મોટી રેલીઓ અને 4000 ટિફિન સભાઓનું આયોજન કરવાની યોજના શરૂ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના વડા જેપી નડ્ડા આ અભિયાનનું નેતૃત્વ કરશે. જેમાં પાર્ટીના લગભગ 15 લાખ કાર્યકરો ભાગ લેશે.
ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે
આ પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ પવિત્ર સ્થળોની મુલાકાત પણ લેશે. ગૃહમંત્રી અમિત શાહ 10 જૂને મહારાષ્ટ્રના નાંદેડમાં શીખોના પવિત્ર સ્થળની મુલાકાત લેશે. અહીં તેઓ ગુરુદ્વારામાં નમન કર્યા બાદ જનસભાને સંબોધશે. બીજેપી ચીફ જેપી નડ્ડા એ જ દિવસે તિરુપતિમાં ભગવાન બાલાજી મંદિરની મુલાકાત લેશે અને રેલીને સંબોધશે.
 જેપી નડ્ડા હિમાચલપ્રદેશ જશે
જેપી નડ્ડા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં 11-13 જૂન સુધી ત્રણ દિવસ વિતાવશે. પઠાણકોટમાં કુલ્લુ, કાંગડા અને બજુરાહમાં બજેશ્વરી દેવી મંદિરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીએ 31મી મેના રોજ અજમેરમાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પુષ્કરના બ્રહ્મા મંદિરની મુલાકાત લીધી હતી.
પંજાબમાં પણ પગપેસારો કરશે
બીજેપી ચીફ જેપી નડ્ડા 14 જૂને પંજાબના હોશિયારપુરમાં રેલીને સંબોધિત કરશે. 2022ની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP) સામે હાર્યા બાદ પાર્ટી પંજાબમાં તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. જૂના ભાગીદાર શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન માટે પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ અકાલી દળ અને ભાજપ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે છે.
ટિફીન મિટીંગોનું આયોજન
ભગવા પક્ષે ‘ટિફિન મિટિંગો’ શરૂ કરી દીધી છે. તે ત્રણ કલાક ચાલશે.  આ દરમિયાન ભાજપના અધિકારીઓ મોદી સરકારની ઉપલબ્ધિઓ પર સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે. જેપી નડ્ડા નોઈડામાં તેની શરૂઆત કરી ચૂક્યા છે.
 ભાજપ આ દરમિયાન રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ઉઠાવી રહી છે
ભાજપ 4000 ટિફિન સભાઓ દ્વારા લાખો લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે. એક મહિના સુધી ચાલતું મહાસંપર્ક અભિયાન 30 જૂને પૂર્ણ થઈ રહ્યું છે. ભાજપ આ દરમિયાન રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ઉઠાવી રહી છે. કેસરી છાવણીના વરિષ્ઠ નેતાઓ દેશભરના યુદ્ધ નાયકોને પણ મળશે. જેપી નડ્ડાએ જનરલ (નિવૃત્ત) દલબીર સિંહ સુહાગ સાથે મુલાકાત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ઉરી અને મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. તેઓ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એએસ લાંબા અને એર માર્શલ (નિવૃત્ત) ડેન્ઝિલ કીલરને પણ મળ્યા હતા.