લોકસભાની ચૂંટણી સંભવિત મે,૨૦૨૪માં યોજાવાની છે ત્યારે તેના નવ મહિના પહેલા ગઇકાલથી ઇવીએમ ચેકીંગની પ્રક્રિયા સાથે લોકસભા ચૂંટણીની તૈયારીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગરની પાંચ વિધાનસભા વિસ્તારના કુલ સાત હજાર જેટલા ઇવીએમ મશીનનું ચેકીંગ કંપનીના એન્જીનીયર્સ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હજારીમાં ચેક કરવામાં આવી રહ્યા છે. ઇવીએમના ફર્સ્ટ લેવલ ચેકીંગની પ્રક્રિયા પચ્ચીસેક દિવસ ચાલશે.
આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ અંતર્ગત ગત સપ્તાહમાં રાજ્યકક્ષાનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંતોની ટીમ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન-ઇવીએમના એફએલસી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ અંગે તાલીમ અને માર્ગદર્શન માટે આપવામાં આવ્યું હતું ત્યારે આ એફએલસીનો સમગ્ર ગુજરાતમાં ગઇકાલથી પ્રારંભ થવાની સાથે રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના શ્રીગણેશ પણ થઇ ગયા છે તેમ કહી શકાશે. ગાંધીનગરમાં પણ એફએલસી વાવોલ ખાતે આવેલા વેર હાઉસમાં સુરક્ષા તથા સંવેદનશીલતાને ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે. અહીં બેલેટ યુનિટ તથા કંટ્રોલ યુનિટ ઉપરાંત વીવીપેટ મશીનનું પણ કંપનીના એન્જીનીયર્સ દ્વારા વિવિધ સેન્સરને ધ્યાને રાખીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.