અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળિયું ઘી પકડાયું…

0
111

યાત્રાધામ અંબાજી ખાતે તા. 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળની પ્રસાદીમાં વપરાતું ઘી ભેળસેળિયું હોવાનું પકડાતાં સનસનાટી મચી ગઇ છે. બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા લેવાયેલાં ઘીના સેમ્પલ ફેઇલ થતાં 188 જેટલા ઘીના ડબ્બા સીઝ કરી જિલ્લા કલેક્ટર દ્વારા બનાસ ડેરીનું નવું ઘી મંગાવીને પ્રસાદ તૈયાર કરાવાયો હતો. તપાસ દરમિયાન અંદાજે રૂ. ૮ લાખની કિંમતના ૧૫ કિગ્રાના કુલ ૧૮૮ ટીનમાંથી ૨૮૨૦ કિલોગ્રામ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હોવાનું જણાવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ ઉમેર્યું હતું કે, આ જથ્થો પૃથક્કરણ માટે મોકલી અપાયો હતો. આ ખાદ્ય ઘી બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ “સબ સ્ટાન્ડર્ડ” આવતા મે. મોહિની કેટરર્સના જવાબદાર વ્યક્તિ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. પ્રસાદ બનાવતી એજન્સીના માલિક સામે સાબર ડેરી દ્વારા ફરિયાદ કરાઇ છે.

શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદી બનાવવાનો કોન્ટ્રકટ મે. મોહિની કેટરર્સને અપાયો હતો. તપાસ દરમિયાન પ્રસાદીમાં બનાવવા ઉપયોગમાં લેવાનાર ખાદ્ય ઘી પર શંકા જણાતાં તેનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરાયું હતું. જે યોગ્ય ન જણાતા રૂ.૮ લાખની કિંમતનો ૨૮૨૦ કિ.ગ્રા ઘીનો ભેળસેળવાળો જથ્થો તા.૨૮મી ઑગસ્ટના રોજ જપ્ત કરાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહિની કેટરર્સના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના બે લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂનાનું ઘી મે. મોહિની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરાયું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. આ બાબતની અંબાજી મંદિરના ટ્રસ્ટને તાત્કાલિક ધ્યાન દોરતા ટ્રસ્ટ દ્વારા બનાસ ડેરીમાંથી પ્રસાદી માટેનું શુદ્ધ ઘી પૂરું પાડવામાં આવ્યું હતું.