મહારાષ્ટ્રની બે હોસ્પિટલમાં 48 કલાકમાં 49 દર્દીનાં મોત

0
90

નાંદેડમાં 31 અને છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલમાં 18 દર્દીનાં મોત: બેદરકારી, દવાઓની અછત, હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓ કારણભૂત.મહારાષ્ટ્રની બે સરકારી હોસ્પિટલોમાં 48 કલાકમાં 49 દર્દીનાં મોતથી હાહાકાર મચી ગયો હતો. નાંદેડની સરકારી હોસ્પિટલમાં માત્ર 48 કલાકમાં 16 શિશુઓ સહિત 31 દર્દીઓના મોત થયા છે, ત્યારે છત્રપતિ સંભાજીનગર ખાતેની સરકારી હોસ્પિટલમાં પણ 24 કલાકમાં ઓછામાં ઓછા 18 દર્દીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને સરકારી હોસ્પિટલોની કથળતી સ્થિતિ મુદ્દે ભાજપ-સેના (શિંદે જૂથ)સરકાર ભીંસમાં મૂકાઈ ગઈ હતી.
વિપક્ષોએ સત્તારૂઢ શિવસેના-ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને તપાસની માગણી કરી હતી. કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતાં. 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે 24 કલાકમાં નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં 24 લોકોના મોત અને 1થી 2 ઑક્ટોબરની વચ્ચે વધુ સાત દર્દીના મોત થયાં હતાં. આ 31 દર્દીઓમાં 16 શિશુ અથવા બાળકો હતાં. હોસ્પિટલમાં 71 જેટલા દર્દીઓની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.
છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2 ઓક્ટોબરે સવારે 8 વાગ્યાથી 3 ઓક્ટોબરે સવારે આઠ વાગ્યા સુધીમાં 18 દર્દીઓના મોત થયા હતા, એમ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું.