વાવાઝોડાનું તાંડવ શરૂ….

0
349

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે બિપોરજોય વાવાઝોડાની સીધી અસર જોવા મળી રહી છે. દરિયાના આ ભાગોમાં હવે વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું છે. ભારે ગતિ સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 62 તાલુકામાં વરસાદ પડ્યો છે. વેરાવળ પંથકમા 10 ઈચ જેટલો ભારે વરસાદ ખાબકતા નજીકના તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવ્યું છે. તો સૌથી વધુ સુત્રાપાડા અને વેરાવળમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં 10 ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુકસાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. ચોપાટી ગેટથી એનએફસી તરફ જવાના રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા બિપોરજોયના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું છે.