સરગાસણમાં ખોટી રીતે મોબાઈલ ટાવર ઊભું કરાતું હોવાની ફરિયાદ…

0
224

ન્યૂ ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં ખોટી રીતે મોબાઈલ ટાવરનું બાંધકામ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે રેડીયન રેસિડેન્સી હાઉસિંગ સોસાયટી દ્વારા મેયર હિતેશ મકવાણા જ્યારે પ્રમુખ હાર્મોની સોસાયટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆત મુજબ સરગાસણ વિસ્તારમાં ટીપી-7 ખાતે હાલ ટાવરની કામગીરી ચાલી રહી છે. જેમાં આસપાસ રહેણાંક વિસ્તાર અને શૈક્ષણિક સંકુલ આવેલા છે.

ટાવરના રેડીએશન વેવના કારણે રહીશોની સાથે બાળકો અને વૃદ્ધો પર અાડઅસર થવાની સંભાવના સ્થાનિકો વ્યક્ત કરી છે. રહીશોના દાવા મુજબ આ પ્રકારના કોઈપણ બાંધકામ પહેલાં આસપાસના વિસ્તારમાં રહેણાંક વિસ્તારના રહીશોની સંમતિ અને નો-ઓબ્જેક્શન સર્ટી લેવાનું રહે છે. જોકે અહીં આવી કોઈ મંજૂરી લેવાઈ ન હોવાના દાવો રહીશો દ્વારા લેખિત રજૂઆતમાં કરાયો છે.

મોબાઈલ ટાવર આસપાસ કોઈપણ કોઈપણ સલામતી સુચક ચેતવણી બોર્ડ કે માર્ગદર્શિકા, કઈ કંપની દ્વારા મોબાઈલ ટાવરનું કામ થાય તે અંગે કોઈ બોર્ડ લગાવાયું નથી. જેને પગલે મોબાઈલ ટાવરનું બાંધકામ ગેરકાયદેસર થતું હોવાની શંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. મોબાઈલ ટાવરની આસપાસ 3-4 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. ત્યારે સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ કરીને મોટાઈલ ટાવર બાંધકામ તાત્કાલિક અટકાવવા રહીશોએ માંગણી કરી છે.