૩ દિવસ ઇન્ટરનેટ પર બંધી મૂકવાની પોલીસને સત્તા અપાઈ

0
1290

સંશોધિત નાગરિકતા કાયદો-સીએએ-ની સામે રાજ્યમાં ગઈ કાલે ગુરુવારે અમદાવાદ અને અન્યત્ર હિંસક વિરોધની શરૂઆત થતાં અને હિંસાને ભડકાવવામાં મોબાઇલ સોશ્યલ મીડિયાની વરવી ભૂમિકા પોલીસ તપાસમાં બહાર આવતાં સરકારે પોલીસ વિભાગને જાહેર હિતમાં અને લોકોની જાહેર સલામતી માટે જરૂર પડે તો ૨૦થી ૨૨ ડિસેમ્બર એમ ૩ દિવસ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપી છે.

સૂત્રોએ કહ્યું કે અમદાવાદ અને વડોદરામાં હિંસક પ્રદર્શન બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યમાં ૩ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાતમાં ૩ દિવસ માટે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ શકે છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોએ વધુમાં કહ્યું કે રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અફવાઓ ન ફેલાય એ માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે એમ છે. અમદાવાદના શાહઆલમ અને વડોદરામાં થયેલા હિંસક પ્રદર્શન બાદ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં અફવા ન ફેલાય તેમ જ સામાન્ય નાગરિક પર એની માઠી અસર ન પડે એ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ પહેલાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અવારનવાર રાજ્યમાં તેમ જ વિવિધ શહેરોમાં હિંસા ન ફેલાય એ માટે ઇન્ટરનેટ થોડાક દિવસો સુધી સેવા બંધ કરવામાં આવી હતી. દરમ્યાનમાં એમ મનાય છે કે લોકોમાં દહેશત ફેલાવવા માટે અને કોઈ આંદોલનમાં ભાગ ન લે એ માટે આવું પગલું લેવાની ચીમકી આપવામાં આવી હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here