અંબાજી ત્રિશૂળિયા ઘાટ પાસે લકઝરી પલટતાં 28ને ઈજા…

0
178

અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશૂળિયા ઘાટ પર હનુમાનજી મંદિર પાસે લકઝરી બસની બ્રેક ફેઇલ થતાં ૨૮ જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે દાંતા સિવિલ ખસેડાયા હતા જે પૈકી ૧૩ જેટલા ઇજાગ્રસ્તોને વધુ ઇજા થતાં પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની વિગત એવી છે કે, રાજકોટની એક લકઝરી બસ નં. GJ-14-T-0574માં ૬૦ જેટલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ છેલ્લે અંબાજી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂળિયા ઘાટે હનુમાનજી મંદિર પાસે લકઝરી બસની બ્રેક ફેઇલ થઈ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ગઈ હતી. બસમાં કુલ 60 યાત્રિકો સવાર હતા જેમાંથી 28 જેટલા ઘાયલ થયા હતા. અકસ્માત અંગે તંત્રને જાણ થતાં દાંતા-અંબાજી પોલીસ, મામલતદાર તાત્કાલિક સ્થળ ઊપર પહોંચ્યા હતા. જ્યારે 8 જેટલી 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને દાંતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 13 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં બે ઇજાગ્રસ્તોના પગ બસની નીચે આવી ગયા હતા. આથી તેમને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી અને બે કલાકની જહેમત બાદ બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ અંબાજી મંદિરથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.