ગુજરાતનું યાત્રાધામ શક્તિપીઠ અંબાજી વિશ્વમાં જાણીતું છે પરંતુ થોડા સમય અગાઉ આ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદને લઈને વિવાદ થયો હતો. આ મંદિરમાં મોહનથાળ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે ભાદરી પૂનમે ત્યાં ઉપયોગમાં લેવામાં આવતા ઘીના નમૂનાની ચકાસણી કરવામાં આવી તો તે ફેઈલ થયા હતા. જેના કારણે ભારે વિવાદ ઊભો થયો હતો,થોડા સમય અગાઉ ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં ઘીના સપ્લાય અંગે વિવાદો સામે આવ્યા હતા. ત્યાં મોકલવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે તપાસ પણ કરવામાં આવી હતી. અંબાજીમાં આ ઘીનો સપ્લાય અમદાવાદના માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી કરવામાં આવતો હતો. જેના કારણે તેમની સામે પણ તપાસ શરૂ થઈ હતી. જોકે, ગુરૂવારે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.મીડિયા અહેવાલ પ્રમાણે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરૂવારે સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણી શકાયું નથી. હજી સુધી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. જોકે, પોલીસનું માનવું છે કે તેમણે દબાણના કારણે આત્મહત્યા કરી હોઈ શકે છે. પોલીસે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.