અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક સહિત 47 દેશના પતંગબાજો ઉપસ્થિત રહ્યાં છે.
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ઉતરાયણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું છે. ગુજરાતનો પતંગ ઉદ્યાગ 500 કરોડને આંબી ગયો છે. ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. CMએ પતંગબાજો સાથે મુલાકાત કરી છે. રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયું છે.
11 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 417 જેટલા પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારતના 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો પણ સામેલ છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે.
લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.