અમદાવાદમાં નશામાં ચકચૂર ડ્રાઇવરે ત્રણ કાર અને છ ટૂ-વ્હીલરને અડફેટે લીધાં….

0
82

અમદાવાદમાં ગઈ કાલે સવાર-સવારમાં નશામાં ચકચૂર રૂપિલ મહેશ પંચાલ ઉર્ફે રિપલે ત્રણ કાર અને છ ટૂ-વ્હીલરને અડફેટે લઈને અકસ્માત સર્જતાં ચકચાર મચી ગઈ હતી એટલું જ નહીં, અકસ્માત સર્જીને તે કારમાં બેઠાં-બેઠાં સિગારેટ ફૂંકતો રહ્યો હતો. જોકે સદ‍્નસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી અને પોલીસે ધરપકડ કરી હતી.અમદાવાદમાં આવેલા આંબલી ઇસ્કૉન રોડ પર ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. આંબલી ગામના ગેટની સામે આઉડી કાર ચલાવી રહેલા ૪૧ વર્ષના રૂપિલ મહેશ પંચાલ ઉર્ફે રીપલે નશો કરેલી હાલતમાં કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવીને એક પછી એક એમ ત્રણ કાર અને છ ટૂ-વ્હીલરને ટક્કર મારીને કારને રેલિંગ પર ચડાવી અકસ્માત કર્યો હતો. એક પછી એક વાહનો સાથે અકસ્માત થતાં ભયના કારણે રોડ પર દોડાદોડ મચી ગઈ હતી અને લોકોએ રિપલને નશાની હાલમાં પકડી લીધો હતો. આ અકસ્માતમાં રાહત એ વાતની હતી કે અકસ્માતમાં નુકસાન પામેલાં ટૂ-વ્હીલર પાર્કિંગમાં હતાં એટલે સંભવિત જાનહાનિ ટળી હતી અને કોઈને ઈજા થઈ નહોતી. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જ ડ્રાઇવર સામે અગાઉ પણ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવનો કેસ થયો હતો.