અમદાવાદમાં બોલર્સના ઝંઝાવાત બાદ રોહિતનો ધમાકો, વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે આઠમો વિજય

0
229

વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે પોતાની વિજયની પરંપરા જાળવી રાખી છે. ભારતે વન-ડે વર્લ્ડ કપમાં તમામ આઠ મેચમાં પરાજય આપ્યો છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારત સામે 192 રનનો લક્ષ્યાંક હતો અને તેણે ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બોલર્સના લાજવાબ પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્માની ધમાકેદાર બેટિંગની મદદથી ભારતે આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. વર્લ્ડ કપ 2023માં શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન સામે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ 0-8નો થઈ ગયો છે. એટલે કે વન-ડે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમેલી તમામ આઠ મેચમાં વિજય નોંધાવ્યો છે. રોહિત શર્માએ ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય બોલર્સ સામે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી લીધી હતી અને ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. 192 રનના લક્ષ્યાંકને પાર પાડવામાં ભારતને કોઈ જ મુશ્કેલી નડી ન હતી. રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ્સે ટાર્ગેટને આસાન બનાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્માએ 63 બોલમાં 86 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શ્રેયસ ઐય્યરે અણનમ 53 રનની ઈનિંગ્સ રમી હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.