અમદાવાદ-ઉદયપુર હાઇવે પર ચક્કાજામ, ડાઇવર્ઝનથી અકસ્માત થતા હોવાની રજુઆત

0
1630

અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે આવેલી રાજેન્દ્રનગર ચોકડી ખાતે આપવામાં આવેલું ડાઇવર્ઝન અકસ્માત ઝોન બની જતાં સલામતીના પગલાં લેવાની માંગ સાથે આજે સ્થાનિકોએ અમદાવાદ ઉદયપુર હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો.

બનાવની વિગત જોઈએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રાજેન્દ્રનગર ચોકડી પાસેથી નેશનલ હાઈવે નંબર-8 પસાર થાય છે. રાજેન્દ્રનગર ચોકડી છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બની ગઈ છે.

આ ચોકડી ઉપર બે દિવસ અગાઉ રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા હતા. અત્યાર સુધીમાં આ ચોકડી લોકો માટે સતત મોતનું કારણ બની રહી છે. જોકે, ચોકડી ઉપર હાઈવે વિભાગ દ્વારા સલામતી માટે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી. આ કારણે આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે.

આજે શુક્રવારે ચોકડીની આસપાસના આશરે પાંચ ગામના લોકોએ ચોકડી ઉપર હાઈવે વિભાગ દ્વારા યોગ્ય સલામતીના પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે ચક્કાજામ કરી દીધો હતો. લોકોએ વિરોધ પ્રદર્શન કરવાની સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં જો આ અંગે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here