અમેરિકાના રાજદૂત અમદાવાદના પ્રવાસે આવ્યા….

0
312

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા ઇચ્છતા ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને સરળતાથી વિઝા મળવાની આશા જાગી છે. સોમવારે સાબરમતી આશ્રમની મુલાકાતે આવેલા યુએસના ભારતસ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની દિશામાં યુએસ એમ્બેસી દ્વારા હકારાત્મક પગલાં લેવાઈ રહ્યાં છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પહેલીવાર અમેરિકા આવનારા પ્રવાસીઓને પણ ઝડપથી વિઝા મળે, તેવી વ્યવસ્થાની દિશામાં યુએસ એમ્બેસી હકારાત્મક છે.અમેરિકા, અમેરિકાની યુનિવર્સિટીઓ અર્થતંત્ર અને માટે ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અમેરિકાની ટોચની કંપનીઓમાં પણ ભારતીય મૂળના સીઈઓ છે, એ અમેરિકાના અર્થતંત્ર માટે સારી બાબત છે જ્યારે ભારતના અર્થતંત્ર માટે ઉત્તમ બાબત હોવાનું કહેતાં તેમણે વિસાનીતિ અંગે કહ્યું હતું કે ‘એક એમ્બેસેડર તરીકે મારું લક્ષ્ય આગામી 5 વર્ષ અને 20 વર્ષ માટેનું છે.સાબરમતી આશ્રમમાં ચરખોં કાંતીને ગાંધીવિચારોને આત્મસાત્ કરનારા એરિક ગાર્સેટીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અંગે કહ્યું હતું કે ભારત-પેસિફિક ક્ષેત્રમાં અર્થવ્યસ્થા સશક્ત રહે, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે, તેવા એકસમાન હેતુ પર ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો આધારિત છે અને જ્યારે આ મુદ્દે કોઈ જોખમ ઊભું થાય ત્યારે બંને દેશ સાથે મળીને પડકાર ઝીલી લે છે. ઇન્ડો-પેસિફિક વિસ્તાર અને તેમાં વસતા લોકોની સુરક્ષા અને સલામતી માટે બંને દેશ એકસમાન વ્યૂહરચનાનો ભાગ છે. સંરક્ષણ સંબંધોને ગાઢ બનાવવા સાથે બંને દેશો અંતરિક્ષ અને તકનિકી જેવાં ક્ષેત્રોમાં પણ સાથે મળીને વિકાસલક્ષી કાર્યો કરશે. ભારતમાં ઇ-પૅમેન્ટના વધતા ચલણ અંગે ગારસેટ્ટીએ કહ્યું હતું કે ટૅક્નોલોજીને આપણે હકારાત્મકતાથી જોવી જોઈએ. ભારતમાં નાનાથી માંડીને ઉચ્ચ વર્ગના સશક્તીકરણ માટે ઇલેક્ટ્રોનિક પૅમેન્ટ ઉપયોગી થઈ રહ્યું છે.