અરે ભાઈ, વર્લ્ડ કપ ટ્રોફીનું માન જાળવો: ઉર્વશી રૌતેલા

0
308

રવિવારે અમદાવાદમાં ભારતને ફાઇનલમાં હરાવ્યા પછી બિયર પીતી વખતે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેસવા બદલ ઑસ્ટ્રેલિયાનો ઑલરાઉન્ડર મિચલ માર્શ ખૂબ ટ્રોલ થયો છે અને તેની ટીકા કરવામાં ઑગસ્ટમાં પૅરિસમાં આ ટ્રોફીના અનાવરણની વિધિમાં ચીફ ગેસ્ટ તરીકે ભાગ લેનાર બૉલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ જોડાઈ છે.
ઉર્વશી ઑગસ્ટમાં પૅરિસના આઇફલ ટાવર નજીકના સમારોહમાં વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ ઍક્ટ્રેસ બની હતી. ઉર્વશી ભૂતકાળમાં સોશ્યલ મીડિયામાં રિષભ પંત સાથે વિવાદમાં ઊતરી ચૂકી છે. આ વખતના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ભારતની મૅચ દરમ્યાન અમદાવાદના સ્ટેડિયમમાં ૨૪ કૅરેટ ગોલ્ડનો આઇફોન ગુમાવવા બદલ ન્યુઝમાં હતી તેમ જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ સાથેની પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરવા બદલ ટ્રૉલ થઈ હતી.
ઉર્વશીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ૧૯૮૩ના વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવની તેમ જ ૨૦૨૨માં આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી એ જ ટ્રોફી રાતે પોતાની બાજુમાં રાખીને સૂઈ જનાર લિયોનેલ મેસીની તસવીર અને આ વર્લ્ડ કપમાં બે સેન્ચુરી સહિત કુલ ૪૪૧ રન બનાવનાર મિચલ માર્શની રવિવારની શૉકિંગ તસવીર પોસ્ટ કરી હતી. તેણે નાની સ્ટોરીમાં થમ્બ્સ ડાઉન ઇમોજિસ સાથે લખ્યું હતું કે ‘અરે ભાઈ, વર્લ્ડ કપની ટ્રોફીનું માન તો જાળવો. મને લાગે છે કે મિચલ માર્શે લાપરવાહ બનીને સ્ટાઇલ મારવાના આશયથી ટ્રોફી પર પગ રાખ્યા હશે.’
ઉર્વશીએ કપિલ દેવની ટ્રોફી સાથેની તસવીર બાદ મેસીની ટ્રોફી સાથેની તસવીરની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘જે વ્યક્તિ ટ્રોફીને લાયક હોય તેને જ એની ખરી કિંમત સમજાય.’
મિચલ માર્શના આ બેહૂદા વર્તનવાળી તસવીર સૌથી પહેલાં તેના જ કૅપ્ટન પૅટ કમિન્સના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થઈ હતી.