ગાંધીનગર શહેર હિંસક શ્વાનોના ભરોસે : સે.૨૯માં હુમલો થતાં કપિરાજ રામશરણ

0
156

પાટનગરમાં નાગરિકોને કનડતાઅને જીવલેણ અકસ્માતોના નિમિત્ત બની રહેલ રખડતાં ઢોર તેમજ હિંસક શેરી
કૂતરાંઓની સમસ્યા નિવારવામાં મનપા તંત્ર સદંતર નિષ્ફળ અને બેદરકાર પૂરવાર
થતાં પાટનગર પશુઓના ભયે દયનીય દશામાં મૂકાયું છે. છેલ્લાં કેટલાક વર્ષોથી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગર
પાલિકા તંત્ર શહેરને સ્માર્ટ બનાવવાની વિકાસની ઘેલછામાં નાની છતાં ગંભીર
સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે બેધ્યાન રહેવાને કારણે નાગરિકોએ મુશ્કેલીમાં મૂકાઈ જવું
પડે છે. જેમાં રખડતાં ઢોર, દબાણો ઉપરાંત રખડતાં કૂતરાંઓની સમસ્યા
ગંભીર બની છે. આ ત્રણે દૂષણોને પગલે ગંદકીના ફેલાવા સાથે અકસ્માતોનો ભય
વધ્યો છે. સેકટરોમાં અને માર્ગો પર રખડતાં હિંસક કૂતરાઓ રાહદારીઓ,
વાહનચાલકો પર હુમલો કરવાના બનાવો પણ બનતાં રહે છે.બે દિવસ અગાઉ સે.૨૯માં ચ-૭ કોર્નર
વિસ્તારમાં કૂતરાંઓએ એક કપિરાજ પર હુમલો કરી તેને મારી નાખતાં રહીશોમાં
તંત્ર સામે રોષ સાથે આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. છેલ્લાં લાંબા
સમયથી કૂતરાંના ખસીકરણનો પ્રોજેક્ટ અને હિંસક કૂતરાઓ ઝબ્બે કરવાની
કામગીરી બંધ થઈ જતાં સ્થિતિ વધુ વણસી છે. મનપા તંત્ર કોઈ ગંભીર જાનહાનિની
ઘટનાની રાહ જોઈ રહી હોય એમ રખડતાં શ્વાનોને મુદ્દે નિષ્ક્રિય રહેતાં નાગરિકોમાં
રોષ ફેલાયો છે.