મહેસાણા જિલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના ગુરુવારે યોજાયેલા ૧૮મા કોન્વોકેશન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પદવી મેળવનાર ૪,૧૮૨ છાત્રોને સફળ જીવનની શુભેચ્છા પાઠવી તેમને હંમેશાં વિદ્યાર્થી બનીને રહેવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે, આખું જીવન શિખવાની વૃત્તિ, નવું સંશોધન કરવાની વૃત્તિ અને નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવાની વૃત્તિ જ માનવજીવનની પ્રગતિનો આધાર છે. હંમેશાં યાદ રાખજો, દરેક વસ્તુ વ્યક્તિને કંઈકને કંઈક શિખવે છે. જે આંખો બંધ કરી લે છે, એ સ્થગિત થઈ જાય છે. પરંતુ આંખો ખુલ્લી રાખીને સતત શીખતો રહે છે, તે ઉન્નતી-ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગણપત યુનિવર્સિટીને સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણાવીને કહ્યું કે, ગણપતભાઈએ નીચેના સ્તરથી વિદેશમાં જઈ સખત મહેનત કરી સારું મુકામ હાંસલ કર્યા બાદ પોતાનું અને પરિવારનું જ વિચારવાના બદલે સમાજ, રાજ્ય અને દેશનું ભલુ કરવાનું વિચારી આ યુનિવર્સિટીની સ્થાપના કરી ઉમદા કાર્ય કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓને પણ સખત મહેનત કરી મજબૂત સ્થિતિ મેળવી દેશ અને સમાજનું ભલું કરવા કહ્યું હતું. ગણપત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા સ્વ.અનિલભાઈને યાદ કરીને તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ખૂબ ઓછા લોકો ગણપતભાઈ જેવા હોય છે જે જીવનમાં આવેલી ખુશીઓ અને સફળતાઓને સમાજ સાથે વહેંચે છે, ગણપતભાઈએ આજે યુનિવર્સિટી માટે ચાર જેટલી માંગણીઓ મૂકી છે જે પૂર્ણ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર તત્પર રહેશે.
ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટીની સિદ્ધિઓ અને આધુનિક યુગના ટેક્નોલોજીકલ અભ્યાસક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રમુખ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને કહ્યું કે, હવે ‘હોતી હૈ ચલતી હૈ’ નો યુગ રહ્યો નથી. વિકસિત મહાસત્તાઓને પડકારવા આપણે ટેકનોલોજી અને AIના યુગમાં હરણફાળ ભરવી જ પડશે. વળી, રતન તાતાને યાદ કરતા કહ્યું હતું કે હવે પ્રમાણિકતા અને નિષ્ઠા આપણો સહિયારો પાસવર્ડ છે. તેમણે સાર્થકતા સાથેની સફળતાની હિમાયત કરી વિદ્યાર્થીઓને પરિશ્રમનો મહિમા સમજાવ્યો હતો. આ સમારોહ દરમિયાન વિવિધ વિદ્યા શાખાઓના ૩૧૬૩ વિદ્યાર્થીઓ અને ૧૦૦૫ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૪૧૬૮ છાત્રોને પદવી એનાયત કરાઈ હતી. ૪૭ વિદ્યાર્થીઓ અને ૩૯ વિદ્યાર્થિનીઓ સહિત ૮૬ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ કુલ ૯૭ સુવર્ણચંદ્રકોથી નવાજવામાં આવ્યા હતા. તો ૨૩ને PhDની પદવીથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ટાટા મોટર્સના સીતારામ કાંડી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.