આતંકના હેડક્વાર્ટર ઉડાવ્યા, પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું: અમિત શાહ

0
32

‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન અને તેના દ્વારા આશ્રય પામેલા આતંકવાદીઓને પાઠ ભણાવ્યા બાદ, ગૃહમંત્રી અમિત શાહે દેશની સુરક્ષાને લઈને મહત્ત્વના નિવેદનો આપ્યા છે. અમિત શાહે જણાવ્યું કે, મોદીજીએ પહલગામ હુમલાનો જવાબ મક્કમ રીતે આપ્યો છે, જે જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ છે અને પાકિસ્તાન ભયભીત થઈને બેસી ગયું છે. આ પહેલા ઉરીમાં હુમલો થયો ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરીને એક પ્રતિકાત્મક જવાબ આપ્યો અને જ્યારે પુલવામામાં હુમલો થયો ત્યારે એર સ્ટ્રાઈક કરીને તેમને ચેતવ્યા હતા.

આ બંને હુમલાનો જવાબ આપ્યા બાદ પણ પાકિસ્તાન સુધર્યું નહી અને પહલગામ પર હુમલો કર્યો. જો કે, આ વખતે ‘ઓપરેશન સિંદૂર’થી તેમના હેડ ક્વાર્ટર્સને નષ્ટ કરી દીધા. ભારતે આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથકો અને ઠેકાણાં નષ્ટ કર્યા હતા. અમિત શાહે વધુમાં કહ્યું કે, “ભારતીય સેનાએ માત્ર સરહદ સુધી નહીં પણ પાકિસ્તાનની અંદર 100 કિમી સુધી ઘૂસીને આતંકીઓ પર હુમલો કર્યો હતો. નૂર ખાન એરબેઝ સહિત 15 જેટલા હુમલાને ધરાશાયી કરી દેવામાં આવ્યા છે. ભારતની ત્રણેય સેના – આર્મી સેના, નૌસેના અને વાયુસેનાએ દેશની રક્ષા માટે જબરદસ્ત કાર્ય કર્યું છે.”

તેમણે ઉમેર્યું કે, “હુમલામાં જે પરિવારને નુકશાન થયું તેની ભરપાઈ તો ના થઈ શકે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વચન હતું કે આતંકવાદને જમીનમાં ગાળી દેવામાં આવશે અને આ વચન તેમણે પૂરું કર્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ દેશના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. અંતે તેમણે દેશની જનતા તરફથી અને ખાસ કરીને ગાંધીનગરની જનતા તરફથી ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા.