ઉત્તરપ્રદેશના વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને નેતાઓની બેદરકારીથી રાજ્યપાલ નારાજ

0
144

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સીતાપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અપૂરતી વ્યવસ્થા માટે અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો. કાર્યક્રમનું યોગ્ય સંચાલન ન કરવા બદલ વહીવટીતંત્ર અને વન વિભાગના અધિકારીઓને જવાબદાર ગણાવી તેમણે જણાવ્યું હતું કે હું તમને માફ નહિ કરું… કાલે પ્રેસમાં આવશે પણ આ કહેવું જરૂરી છે. આ કાર્યક્રમમાં અધિકારીઓ અને નેતાઓની બેદરકારીથી રાજ્યપાલ નારાજ થયાં હતાં.

આ કાર્યક્રમમાં અધિકારીઓ અને સહભાગીઓને સંબોધતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે વૃક્ષો કેવી રીતે વાવવામાં આવે છે તેની કાળજી રાખવી જોઈએ… યોગ્ય રીતે કામ ન કરનારાઓને ઠપકો આપવાનો મારો સ્વભાવ છે. તે આપણી જવાબદારી છે. ખોદવામાં આવેલા ખાડા મોટા છોડ વાવી શકાય તેટલા ઊંડા નહોતા… તેની સંભાળ કોણ લેશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે જવાબદાર મંત્રીઓએ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેની ખાતરી કરવી જોઈતી હતી. જોકે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ શહેરી વિકાસ રાજ્ય મંત્રી રાકેશ રાઠોડ ગુરુ અને જેલ રાજ્ય મંત્રી સુરેશ રાહી જિલ્લાના હોવા છતાં આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યાં હતાં.

પોતાની જવાબદારી નિભાવવાની જગ્યાએ સેલ્ફી લેવામાં રસ ધરાવતા શિક્ષકો અને સહયોગીની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે “શું હું અહીં ફોટોગ્રાફ્સ માટે આવી છું? હું દોઢ કલાકની મુસાફરી કરીને સીતાપુર આવી હતી. જો મને વ્યવસ્થા વિશે ખબર હોત, તો હું ક્યારેય અહીં આવી ન હોત” રાજ્યપાલની ટિપ્પણીઓએ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને નેતાઓ દ્વારા દર્શાવવામાં આવેલી બેદરકારી પ્રત્યેનો રાજ્યપાલનો રોષ દર્શાવે છે.