ઉનાળાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે ચડ્યો છે. આજે પણ ગુજરાતમાં તાપમાન વધે અને ૪૦થી ૪૩ ડિગ્રીએ પહોંચે તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવ ફૂંકાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગઈ કાલથી ગુજરાતમાં સૂરજદેવ જાણે કે આકરા પાણીએ થયા હોય એમ તાપમાનમાં વધારો થયો છે, જેને કારણે ગુજરાતનાં ૧૫ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની ઉપર ગયો હતો. ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ ગરમીનો પારો ઊંચકાતાં અમદાવાદમાં બપોરે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગઈ કાલે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૨.૮ ડિગ્રી, ભુજમાં ૪૨.૪, રાજકોટમાં ૪૨.૩, વલ્લભ વિદ્યાનગર અને કેશોદમાં ૪૧.૯, ડીસા અને અમરેલીમાં ૪૧.૬, નલિયામાં ૪૧.૪, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને કંડલામાં ૪૧.૨, પોરબંદરમાં ૪૧ અને સુરતમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં હીટવેવની શક્યતા છે.