કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે તા 12 થી 18 સપ્ટેમ્બર 2024ના મા ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેઓએ ધજાની પૂજા-અર્ચના કરી તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઊપરાંત શોભાયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઊંઝા ઉમિયા માતાજી ધજા મહોત્સવને લઇ 1868 ઝવેરાઓ તેમજ માતાજીનો રથ અને 25 જેટલી બગીઓ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરી નિજ મંદિરે પરત ફરી હતી. એક કિમી લાંબી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઊંઝાના નીજ મંદિરમાં જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી નિમિતે ધજા મહોત્સવનું આજથી 18 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સવારે ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં ઉમિયા માતાજીની પૂજા-અર્ચના, આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઊપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્લાસ્ટિકમુક્ત ઉમિયા માતાજી મંદિર અંતર્ગત મશીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં ઉમિયા બાગ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધજા મહોત્સવ શુભારંભ અને ઉછામણી યજમાન સન્માન સમારોહ ખાતેના કાર્યકમમાં ભાગ લીધો હતો. આ કાર્યકમમાં પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ સહિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. શુભારંભ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઊંઝા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી જ્યાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.