ફિલ્મ ઇડન્સ્ટ્રીમાં પંગા લેવા માટે પંકાયેલી કંગના રનૌતનું કહેવું છે કે, “આપણાં દેશમાં એક્ટર હોવું એ સૌથી વધુ પ્રિવિલેજ્ડ નોકરી છે પરંતુ ફિલ્મ મેકર્સનું જેટલું મૂલ્ય થવું જોઇએ તેટલું નથી થતું. ” કંગનાએ 2019માં પોતાની ફિલ્મ મણીકર્ણિકાઃધી ક્વિન ઑફ ઝાંસીની રિલિઝ પહેલાં દિગ્દર્શનની સુકાન હાથમાં લીધી હતી અને તે અનુભવનાં સંદર્ભે વાત કરતાં તેણે ઉપરોક્ત વિધાન કર્યું હતું. ગઇકાલે દિલ્હીમાં પોતાની ફિલ્મ પંગાનાં પ્રમોશન્સ દરમિયાન કંગનાએ આમ કહ્યું હતું. અશ્વિની ઐયર તિવારી દિગ્દર્શિત પંગામાં કંગના કબડ્ડીની ખેલાડીનું પાત્ર ભજવી રહી છે જે પોતાનાં લગ્ન અને બાળકને પગલે પોતાના ખેલથી દૂર તો થાય છે પણ ફરી એ જ ખેલમાં જાતને શોધે છે.
મણીકર્ણીકા ફિલ્મનો સંદર્ભ આવતા કંગનાએ કહ્યું કે, “ત્યારે કોઇ પંગો હતો જ નહીં. દિગ્દર્શકે ફિલ્મ છોડી દીધી અને માટે મેં એ પુરી કરી. બસ આથી વધારે તેમાં કંઇ હતું જ નહીં. જો મેં મારા પ્રોડ્યુસર અને સ્ટુડિયોને મદદ કરી હોય તો એ માટે તો મારું સન્માન થવું જોઇએ. લોકોએ સમજવું જોઇએ કે હું કેટલી જવાબદાર છું. મારે તો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો અને મને એની બહુ જ નવાઇ લાગે છે. સેટ પર એક્ટર હોવું એ તમને એક વિશેષાધિકાર આપે છે, પ્રિવિલેજ આપે છે. પણ દિગ્દર્શક હોવાનું એટલું મૂલ્ય તો નથી જ અંકાતું જેટલું હોવું જોઇએ, મને ખાતરી છે કે અશ્વિની પણ મારી વાત સાથે સંમત થશે.”