આજથી ગિરનારમાં લીલી પરિક્રમા અને વૌઠાના લોકમેળાનો થશે વિધિવત્ પ્રારંભ : સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો થયો પ્રારંભ : જૂનાગઢની લીલી પરિક્રમામાં જંગલમાંથી પસાર થતા કોઈ પદયાત્રીને હાર્ટ-અટૅક આવે તો તેનો જીવ બચાવવા અપાઇ સીપીઆરની તાલીમ.સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલા ગરવા ગઢ ગિરનારની ફરતે આજથી વિધિવત્ લીલી પરિક્રમાનો આરંભ થવાનો છે ત્યારે આ પરિક્રમા માટે ગઈ કાલે એક લાખ જેટલા પદયાત્રીઓ ઊમટી પડતાં પરિક્રમા એના નિર્ધારિત દિવસથી એક દિવસ વહેલી ગઈ કાલથી જ શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ લીલી પરિક્રમાની સાથે-સાથે અમદાવાદ જિલ્લામાં વૌઠાના લોકમેળાનો પણ આજથી પ્રારંભ થશે. ગઈ કાલે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રંગારંગ પ્રારંભ થયો હતો.
વિશ્વવિખ્યાત એવી લીલી પરિક્રમાનો જૂનાગઢમાં આજથી વિધિવત્ પ્રારંભ થશે. લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે ગઈ કાલે વહેલી સવારથી જ પદયાત્રીઓ ઊમટી પડ્યા હતા અને વહેલી પરોઢે ચાર-પાંચ વાગ્યાથી પદયાત્રીઓએ ગિરનાર પર્વતની ગોદમાં દેવાધિદેવ ભોળાનાથનું નામ જપતાં-જપતાં પરિક્રમા શરૂ કરી દીધી હતી. વનવિભાગના કન્ટ્રોલ રૂમે કહ્યું કે ‘પરિક્રમા માટે ગઈ કાલે એક લાખથી વધારે પબ્લિક ઊમટી હતી એટલે પરિક્રમા એક દિવસ વહેલી શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે સવારે પાંચ વાગ્યાથી લોકોએ પરિક્રમા શરૂ કરી દીધી હતી. ’