એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન…

0
206

ગુજરાત અને ભારત સરકારે મળીને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા બનાવેલી મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાના પ્રારંભમાં હવે ગણતરીના દિવસો બાકી છે. મેટ્રોનો આ બીજો તબક્કો અમદાવાદ અને ગાંધીનગરને જોડશે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે સેક્ટર-1 થી શુભારંભ કરશે.

અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટી બનશે મજબૂત
મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેસીની ગિફ્ટ સિટીની મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી મેટ્રોનું ઉદ્દઘાટન કરશે તે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન એરપોર્ટને પણ પાછળ મુકે તેવું બનાવવામાં આવ્યું છે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે લોકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું ₹ 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું ₹375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે.