રવિવારે ગાંધીનગરમાં પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

0
879

ગાંધીનગર શહેરમાં રવિવારે બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ભારે વરસાદ ખાબક્યો હતો. પોણા કલાક સુધી ચાલેલા આ વરસાદના પગલે આંતરિક માર્ગો તેમજ કોમન પ્લોટો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ફક્ત થોડા સમયમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકામાં પણ આ વરસાદની અસર અનુભવવા મળી હોય તેમ ઝરમર વરસાદ પડયો હતો.આમ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

આ વર્ષે ચોમાસાની મોસમ ઘણા વિસ્તારોમાં મોડી શરૂ થવાને સાથે સાથે વરસાદ પણ વિરામ લેતો હોય તે પ્રકારે આંતરે દિવસે પડતો હતો. સમગ્ર અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદની ગતિ પણ રાજ્યના પાટનગર તેમજ જિલ્લામાં રોકાઇ ગઇ હોય તેમ વાદળો બંધાયા બાદ વરસ્યા વગર જ પસાર થઇ જતાં હતાં. તો બીજી તરફ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને મહેર કરી રહ્યાં હતાં. આમ ચોમાસાની મોસમ પુર્ણ રીતે જામી હોય તેવા વરસાદનો સામનો જિલ્લાના લોકોને ભાદરવા માસમાં થયો હોય તેમ છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા પણ મહેર કરી રહ્યાં છે.

તો હવામાન ખાતા દ્વારા પણ કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત મધ્યમાં પણ આ વરસાદની અસર જોવા મળી હોય તેમ ભાદરવામાં ચોમાસાની મોસમ પુર્ણરૂપે ખીલી હોય તે પ્રકારે વરસાદ પણ વરસી રહ્યો છે.

ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન વાદળો છવાયા બાદ રવિવારે બપોરના સમયે રાજ્યના પાટનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ વિવિધ વિસ્તારોમાં શરૂ થયો હતો. આમ પોણા કલાક સુધી શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર થઇ હતી.

આમ થોડા સમયમાં જ ૪૨ એમ.એમ. જેટલો વરસાદ વરસી જતાં મુખ્ય અને આંતરિક માર્ગો સહિત કોમન પ્લોટોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ વરસાદી માહોલ જામતાં તાપમાનના પારામાં પણ વધઘટ થઇ હતી અને મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી આવીને અટક્યું હતું. જ્યારે લઘુત્તમ રપ.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ વરસાદની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ અનુભવવા મળી હોય તેમ ઝરમર વરસાદ પડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here