ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ ગામના સરકારી કામકાજનો આધારસ્તંભ હોય છે, પરંતુ કચ્છ (Kutch) જિલ્લામાં 13 તલાટીઓની ગેરહાજરીએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ફરજ દરમિયાન ગેરહાજર રહેવાની ફરિયાદો બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં 13 તલાટીઓ ગેરહાજર જણાતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આકસ્મિક તપાસ દરમિયાન 13 તલાટીઓ તેમની ફરજ પર હાજર નહોતા, જેના કારણે ગામના લોકોના રોજિંદા સરકારી કામકાજમાં અવરોધ ઉભો થયો હતો. આ તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે જો યોગ્ય જવાબ નહીં મળે તો પગાર કપાત સહિતની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઘટનાએ ગ્રામ્ય વહીવટની કાર્યક્ષમતા પર સવાલો ઉભા કર્યા છે.






