કૅનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રૂડોનાં પત્ની સૉફી કોરોના વાઇરસથી સંક્રમિત છે. કૅનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપીને આ અંગેની પુષ્ટિ કરી છે. સૉફી સાથે હવે જસ્ટિસ પણ આઇસોલેશનમાં રહેશે અને તેઓ ઘરેથી જ સરકારી કામકાજ સંભાળશે. સૉફી મંગળવારે જ લંડનથી પાછા આવ્યા હતા. ત્યાર બાદ તેઓ બીમાર હતા. ગુરુવારે તેમની ટેસ્ટ પૉઝિટિવ આવી હવી. બીજી બાજુ દુનિયાભરમાં કોરોના વાઇરસથી મરનારાઓનો આંકડો ૫૦૮૦ થઈ ગયો છે. કુલ ૧,૩૭,૬૭૪ કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
ન્યુઝ-એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઇટલીમાં કોરોના વાઇરસથી મૃતકોનો આંકડો શુક્રવારે ૧૦૧૬ થઈ ગયો છે. અત્યાર સુધી કુલ ૧૫,૧૧૩ લોકો સંક્રમિત થયા છે. કોરોના વાઇરસના ચેપને કારણે ઇટલીના મેડિકલ ચીફ રૉબર્ટો સ્ટેલાનું મોત થયું છે. ચીન બાદ કોરોના વાઇરસની સૌથી વધારે અસર ઇટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઇટલીમાં સારવાર બાદ ૧૨૫૮ લોકો સ્વસ્થ થયા છે.
ઘાતક કોરોના વાઇરસ સામાન્ય લોકોને જ નહીં, પણ મોટા નેતાઓને પણ શિકાર બનાવી રહ્યો છે, જેમ કે કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનાં પત્નીને કોરોના થયો હોવાનું બહાર આવ્યા બાદ હવે ઑસ્ટ્રેલિયાના ગૃહપ્રધાન પીટર ડટનનો પણ કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે એની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ ઑસ્ટ્રેલિયાના મીડિયા પ્રમાણે તેમને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં યોજાનારી ગ્રૅન્ડ પ્રી ફૉર્મ્યુલા વન રેસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
#coronavirus