રાજીવ હત્યા કેસના નલિની સહિતના 6 આરોપીઓને સુપ્રીમે મુક્ત કર્યા

0
185

તમિળનાડુ સરકાર દ્વારા આરોપીઓની સજા માફ કરવાની ભલામણ કરાઈ હોવાનું નોંધતા સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નલિની શ્રીહરન અને આર.પી. રવિચંદ્રન સહિતના છ આરોપીઓને વહેલા મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસે સુપ્રીમના આ આદેશને આઘાતજનક ગણાવ્યો હતો અને તેની સમીક્ષા કરી કાનૂની લડાઈ લડવાના સંકેત આપ્યા છે.

મે, 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી સભામાં એલટીટીઈની આત્મઘાતી બોમ્બર ધનુ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં રાજીવ ગાંધી ઉપરાંત 9 પોલીસકર્મી સહિત 16 જણાં માર્યા ગયા હતાં. નલિની અને રવિચંદ્રન ઉપરાંત જે ચાર અન્ય લોકોને મુક્ત કરવામાં આવશે તેમાં સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારનો સમાવેશ થાય છે.  સજા દરમિયાન આરોપીઓની વર્તણૂક સંતોષકારક હતી અને તેઓએ વિવિધ અભ્યાસ કર્યા હોવાની બાબતની પણ અદાલતે નોંધ લીધી હતી.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા મે મહિનામાં મુક્ત થયેલા અન્ય દોષિત એજી પેરારીવલનના કેસને ધ્યાનમાં લઈને આ આદેશ આપ્યો હતો. બંધારણની કલમ 142 હેઠળ તેની અસાધારણ શક્તિનો ઉપયોગ કરીને, ટોચની અદાલતે 18 મેના રોજ 30 વર્ષથી વધુ જેલની સજા ભોગવનાર પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કલમ 302 હેઠળ દોષિત અપીલકર્તાને માફી આપવાના મામલામાં રાજ્યપાલ, રાજ્ય મંત્રીમંડળની સલાહથી બંધાયેલા છે.  હાલના કિસ્સામાં કેબિનેટે તમામ અરજદારોને માફી આપવાનો ઠરાવ કર્યો છે. પેરારિવલનની મુક્તિ માટેના આદેશમાં અદાલતે જે પરિબળોની સમીક્ષા કરી હતી તે જ પરિબળો વર્તમાન અરજદારોને પણ એટલાં જ લાગુ પડે છે. તમામ અરજદારોએ સંબંધિત ગુનાની સજા પૂરી કરી હોવાનું માની લેવા અમે નિર્દેશ કરીએ છીએ. આમ અરજદારોને અન્ય કોઈ કેસમાં જરૂર ન પડે ત્યાં સુધી મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, એમ ખંડપીઠે જણાવ્યું હતું. તમિલનાડુ સરકારે અગાઉ નલિની અને રવિચંદ્રનની વહેલી મુક્તિની તરફેણ કરતા કહ્યું હતું કે તેમની આજીવન કેદની સજા માફ કરવાની તેની 2018 ની સલાહ રાજ્યપાલને બંધનકર્તા છે.